Sunday, January 18, 2009

-વાયા વાદળ-

ઝાકળનું સૌરભ સુધીનું વાયા વાદળ જાવું,
ખાલીપામાં સ્નેહ ભરી લઈ અમી વરસતા જાવું.

રેપર નહીં વેપરને
છૂપો અત્તર ફાયો ફોરો,
મઘમઘાટ વાદળ થઈ
પાછો ફૂલ બનીને ફોરો,
ઝરણાનું કલબલ સાગરનું ઘુઘવવું થઈ જાવું,
ઝાકળનું સૌરભ સુધીનું વાયા વાદળ જાવું,

મનનું મોતી ફટકીયું
કઈ પળમાં તૂટી જાતું,
હળુક રહીને સોય ઉતરતાં
પારામાં પલટાતું,
વિધ વિધ રૂપે છાબ ભરીને સુંદરતા હું લાવું,
ખાલીપામાં સ્નેહ ભરી લઈ અમી વરસતા જાવું.

-મનોજ શુક્લ-
અનાહત મનોમન હવે દ્વાર ખોલો,
કહે દ્રશ્ય પલકો હવે દ્વાર ખોલો.

હતી શર્દ ઋત ને તુષારે પલળતા
નિશા થરથરે છે હવે દ્વાર ખોલો.

કસોટી કરી ઝાંઝવાની ઝડીથી,
કરી ઝરમરો કૈ હવે દ્વાર ખોલો.

પ્રતિક્ષા કદી તીવ્રતમ થૈ સતવે,
અજંપો ધકેલે અને દ્વાર ખોલો.

ઘણું યે અડકશે, બતાવી કહેશે,
હ્ર્દય, મન, ત્વચા, કાન રે દ્વાર ખોલો.

સનમ શું અપેક્ષા ચમનની કરે હેં !
ન ફોરમ કહે ફૂલને દ્વાર ખોલો.

-મનોજ શુક્લ-

Saturday, January 17, 2009

ગીતની હોઠે ચડી ઝરમર થકી,
માંહ્યલુ મલકાય છે સરવર છલી.

ઝરમરો વાતાવરણમાં જોઈને,
વાયરે પણ હોઠ પર મરમર ધરી.

વિંધતા મોતી કનેથી શું મળ્યું ?
લાગણીઓ જોઈલો પડતર મળી.

રેતમાં કાંઠે હવે ક્યાં શોધવા ?
બાંધતા કિલ્લા અમે ઘરઘર રમીઓ

આ કિનારાઓ સમયના તાકતા,
આ૫ણે આજે અહીં હરફર કરી.

-મનોજ શુક્લ-