Wednesday, December 21, 2011

કવિશ્રી જયંત પાઠકના જન્મદિવસે તેમના પ્રેમ વિષયક બે કાવ્યો ઃ

-પ્રેમ-
(૧)

પ્રેમ ન કેવળ બંધન
પ્રેમ બૃહદ વિશ્વહ્રદયનું સ્પંદન,
પ્રેમ ન કેવળ આંધી
પ્રેમ હ્રદયની નિશ્ચલ સુઃખદ સમાધિ,
પ્રેમ ન કેવળ ભોગ,
પ્રેમ પ્રાણથી પ્રાણ તણો શુભ યોગ,
પ્રેમ ન કેવળ રાગ,
પ્રેમ સકલના શ્રેયાર્થે નિજ પ્રેમ તણો પરિત્યાગ.

-જયંત પાઠક.

(૨)

આનંદ અને વેદનાના
તાણેવાણે વણાયેલું
આ પ્રેમનું વસ્ત્ર,
પ્રિય, તું ધરણ કરી લે,
એની સુંવાળપથી તને રોમાંચ થશે,
ને એની બરછટતા,
તને મીઠું મીઠું ખુંચશે.

તારા બધા વસ્ત્રોની નીચે
પ્રિયે, તું તેને ધારણ કરજે.
જેથી એ તને સતત
અડ્યા કરે,

બડદને ગળે જેમ ધુસરી
અડ્યા કરે, ઍમ.
ભક્તને ગળે જેમ માળા
અડ્યા કરે, એમ.

કારણ કે,

પ્રેમ તો સંસારની બોજીલ
વાસના પણ છે,
ને ઇશ્વરની ઉર્મિલ પ્રાર્થના પણ.

-જયંત પાઠક.
મૌન ભાષાની લિપી વાંચે જ છે,
વણ કહ્યે તે કૈંક તો બોલે જ છે.

આંખને અંધાપો આવે પણ બને,
બંધ આંખે દેખતા દેખે જ છે.

આપ અંદર ડૂબકી દઈ નિકળી
વાત સાચી જે કહી તે છે જ છે.

ભેદ હો કે ભરમ જે ઘુંટાય છે,
છેકવા ધરે જ તે છેકે જ છે.

ફરફરી વંટોળમાં વિધરાય જે,
દેહ તો નવસંસ્કરણ પામે જ છે.

શ્વાસમાં વિશ્વાસ હોવો જોઈએ,
આતમા તે ઊજળો રાખે જ છે.

-મનોજ શુક્લ.


છાતીમાં ડૂબે જો દરિયાનો વાંક શું ?
વાદળથી ઢંકાતા સૂરજનો વાંક શું ?

કિસ્મતનો સૂરજ છે ચમકે ત્યાં ચમકે,
ઝબકારો ચુકો તો પાંદળાનો વાંક શું ?

ઋતુએ તો ક્રિડાતું પંખી પણ હોય ને,
આંખો કોઈ ઝબકે બારીનો વાંક શું ?

રેતીમાં ચાલતા ફસળાઈ પડતા હો,
ઊઠીને તાકો જો પથ્થરનો વાંક શું ?

ધર્યું ના ધર્યું તો બનતું રહેતું હો,
આડે હાથે લો તો આયખાનો વાંક શું ?

-મનોજ શુક્લ.
--------------
અવકાશ છે જ્યાં આપણે બસ આપણે,
આજાન છે ત્યાં આપણે બસ આપણે.

ના કેમ કહેશો - આભને સ્પર્શે બધુ,
માયા રચે જ્યાં આપણે બસ આપણે.

આનંદ હો કે વેદના સાપેક્ષ સૌ
આકાર છે ત્યાં આપણે બસ આપણે.

બદનામ કે મશહુર જે પણ હો ગલી,
સંસાર છે ત્યાં આપણે બસ આપણે.

નામી અનામી કેટલી ઘટના અને
નામે ચડે જ્યાં આપણે બસ આપણે.

સ્વીકારમાં સારો સમાગમ સાંપડે,
જ્યાં જુઓ ત્યાં આપણે બસ આપણે.

બ્રહ્માંડ્માં બાકોરું જો ક્યાંયે પડે,
ફેંકાય જે ત્યાં આપણે બસ આપણે.

--મનોજ શુક્લ.
-------------
રૂક્ષતા -

આ કેવી રૂક્ષતા !
સહેજે નહી ક્ષુબ્ધતા.
સવારના અખબારમાં લપેટાઈ આવેલા
બોંબમારા અને હત્યાકાંડ્ના
પાશવીપણાને
ચાના ઘુંટ સાથે ઉતારી જઈ,
ફળીમાં ખરી પડેલા
પર્ણોને સાવરણીના સપાટે
ડેલી બહાર ધકેલી-
ઉદાસી ખંખેરી
ફળીમાંના ફૂલ છોડને તાજા રાખવા
હોઠો પર ગીતો લાવવા
'ને પાણી દઈ સ્નેહથી પંપાળવા,
-કદાચ
આજના ઓછાયાથી કાલને બચાવવા,
હા, કાલને સંભાળવા
હશે સાશંક
ભીરૂતા
અને
બુધ્ધતા.

-મનોજ શુક્લ.
----------
ગુલોની રાહમાં

ગુલોની રાહમાં આ કોણ નાખતું રોળા,
વદન જો ચાહતું હસવા ને પામતું રોણા.

અમારે હાથ હજ્જારો - હજારો કામ કરે,
કહો ક્યા હાથ તો હાથોના વાવતું રોપા.

અહીં તો સ્વપ્નમાં બોળ્યાથી થાય છે મેલા,
છતાં મન હરકતી હાથોને માનતું ભોળા.

ભલેને હોઠ પર રમતી રહે બોધ કથા,
અસર ના આપણા હોવાની પામતું ઓઠા.

બધા એ શબ્દને સાધીને કાં અટક્યા નહીં,
નવાણો ગળતું કોઈ કે ખળતું જોવા.

-મનોજ શુક્લ-
------------
લોકનું તો એવું છે

કોઈ એમ જ અકારૂં કહેવાનું
પાટ વિણ પોત પણ વણાવાનું.

વ્હાલ પરવશ કરી દે - સારૂં છે,
જાણતા જગ મહીં ઠગાવાનું.

દુઃખ આવી સુખેથી જાતું રહે,
શીખ વે'વારમાં મલાવાનું.

સાધુઓ ઊઠતા ધુણેથી કહે
હોઠ્થી હોકલી લગાવાનું.

લોક છે લોકનું તો એવું છે,
ટોડલે મોર પણ વસાવાનું.

-મનોજ શુક્લ-
------------
દુનિયા પુરી પડઘા મહીં આલોક અથડાતી રહે,
ત્યાં ઘર અમારૂં, વાત - માનો ચાકડે ચઢતી રહે.

ઘાટે ઘડાયા તે છતાં કેવા અહીં રૂપ રંગના,
બાની અમારી સાફ, પ્યાલી કેફની બનતી રહે.

કાને પડેલો શબ્દ ગુંજારવ દિલો દિમાગનો,
ધીમી મધુરી ધુન સ્વાતિ બુંદ શી ઝરતી રહે.

ભીંજાય આંખો, મન, હ્ર્દય ને ભાવ
વર્ષા સંભવે,
ધોવાય સઘડા ડાઘ ને શંકા બધી ખરતી રહે.

તૃપ્તિ હ્ર્દયને એમ સાતા આપતી રહેતી મળે,
પડઘા બધા પાણી બને, સરવર મહીં ભરતી રહે.

-મનોજ શુક્લ.
--------------