કવિશ્રી જયંત પાઠકના જન્મદિવસે તેમના પ્રેમ વિષયક બે કાવ્યો ઃ
-પ્રેમ-
(૧)
પ્રેમ ન કેવળ બંધન
પ્રેમ બૃહદ વિશ્વહ્રદયનું સ્પંદન,
પ્રેમ ન કેવળ આંધી
પ્રેમ હ્રદયની નિશ્ચલ સુઃખદ સમાધિ,
પ્રેમ ન કેવળ ભોગ,
પ્રેમ પ્રાણથી પ્રાણ તણો શુભ યોગ,
પ્રેમ ન કેવળ રાગ,
પ્રેમ સકલના શ્રેયાર્થે નિજ પ્રેમ તણો પરિત્યાગ.
-જયંત પાઠક.
(૨)
આનંદ અને વેદનાના
તાણેવાણે વણાયેલું
આ પ્રેમનું વસ્ત્ર,
પ્રિય, તું ધરણ કરી લે,
એની સુંવાળપથી તને રોમાંચ થશે,
ને એની બરછટતા,
તને મીઠું મીઠું ખુંચશે.
તારા બધા વસ્ત્રોની નીચે
પ્રિયે, તું તેને ધારણ કરજે.
જેથી એ તને સતત
અડ્યા કરે,
બડદને ગળે જેમ ધુસરી
અડ્યા કરે, ઍમ.
ભક્તને ગળે જેમ માળા
અડ્યા કરે, એમ.
કારણ કે,
પ્રેમ તો સંસારની બોજીલ
વાસના પણ છે,
ને ઇશ્વરની ઉર્મિલ પ્રાર્થના પણ.
-જયંત પાઠક.
No comments:
Post a Comment