Friday, April 10, 2009

- ગ્હેક કરંડીયો થઇ ગઇ -

ઘડી ગઇ ને ઘડી પછી એ ઘડી ખડકલો થઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.

ઢગલેથી સુક્કા પાનના
કોઇ સરવર જળ થૈ ઉઠે !
સુક્કી છાલ ખરી તે જો
પેલી લીલપ લગરીક હસે !
મોર ઊડી આંબેથી ખરતાં ગ્હેક કરંડીયો થઇ ગઇ,
ઘડી ગઇ ને ઘડી પછીની ઘડી અવનવું દઇ ગઇ.

ગુંજારવથી ભર્યો ભર્યો
જે રહેતો હંમેશ માળો,
પાંખ મળ્યે રવ ઊડી ગયેથી
લાગે ઠાલો ઠાલો,
ઘડી મરકતી ગરક થતી, પરમાણ પરમના દઇ ગઇ,
પાનખરે નિકળેલી હાય, જો ગરમાળો થઇ ગઇ.
-મનોજ શુક્લ
---

- ફાગણ -

કળી કનેથી કેસુડાની કુંજન શીખી કોયલ છૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

ગાન સુણીને કોયલનું
ભમરો જૈ ભુલતો ભાન અને,
તે બેઉની પાછળ ઘોડાપૂર
વછૂટે ફોરમ રે !
તે ધસમસતા વ્હેણ મહીં તરબોળ દિશાને કલરવ ફૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.

પતંગિયાઓ ગુલમહોરને
પાંખે લઇને વનમાં ફરતાં,
ગરમાળાનાં ફૂલ ગીતની
ગલી ગલીમાં ફેરી કરતાં,
ભમરાનાં જૈ કાને પીટતાં ભેદભરમનાં ઢોલ તૂટે,
ત્યારે જઇને ફાગણ ફૂટડો વનવનનાં ફાંટેથી ફૂટે.
-- મનોજ શુક્લ
---

- ભમરા કેમ ચડે ના ચાળે 1 -

ભમરા કેમ ચાડે ના ચાળે !
ઝાકળની છાલકથી ફૂલો ચહેરા જૈ ઊજાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

એકે બુંદ નસીબે આવ્યે
ઝળહળ તેજ ચમકતું,
તે ઝાકળની છાલક જોવા
જગ આખ્ખું લખલખતું,
વાછંટ જેને સ્પર્શી તે સૌ પાગલ થઇ ગયા જગ ભાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !

ફૂટડા લાગે ફૂલ
રૂપની છોળો જૈ ઊડાવે,
ખીલ ખીલ હસતા, ગાતા
પૂરા નભને એ નચાવે,
રૂપ ઘેલા પૂજારી આથી ધન્ય ઘડી કૈ ન્યાળે,
ભમરા કેમ ચાડે ના ચાળે !
-- મનોજ શુક્લ
---

1 comment:

  1. મારી કવિતા તમારા બ્લોગમાં સમાવવા બદલ આભારી છું . મારા બ્લોગમાં પણ મૂકું છું . મારા અભિનંદન .

    ReplyDelete