Wednesday, May 18, 2011

સોને૮

(ઇન્દ્ર્વ્રજા)


"જેણે કદી હો વગડાને છાંયે

ખોલી પછેડી ગરણેથી કાઢી

ભાતુ હસીને હળવાશે ખાધું

તેને કદી ના ભવનો મિરાતો

બાંધી શકેલા ચમકીલી ગાંઠે,"

-એવું કહેતા કણબી સુણ્યો'તો.


દ્ર્શ્યો બદલ્યા તખતા પરે 'ને

કાંટાસમા ખુંચત તાપ આજે,

એ.સી. વિના ક્યાંય સુખી ન કોઈ

ક્યાં શોધવી સોડમ માટી કેરી

માટી ઝુરે છે મમતા મનુની

બીજો સહે છે બળના પ્રયોગો


શું ઝંખના એ પરિપૂર્ણ થાશે

પુત્રોને આપું સબળા કણો હું !

----------

પિરોટન પ્રવાસ

(શિખરિણી સોનેટ)


હતું તેવે ટાપુ પરયટનથી શું ય કરશે

છતાં પહોંચી જાતા જન હરખભેળા તહિં ખરે !

અને કિલ્લોલે સૌ ડગ સરકતા રેત ભરતા,

વળી પામ્યા જોવા નવલ નવલાં છીપ છપલાં.


વહી આવે વાતો ઉદધિ ઉરથી વા સરકતો

તપે તાપે તો યે તન તપનનો ભાવ ન ધરે,

શિયાળોની લાળી, અજબ તબકે આંખ ચમકી

નિશાએ ન્યાળી ત્યાં ગજબ રમણે ઉભય ભર્તિ.


પ્રભાતે કેવા એ સરક સરકી પીઠ ફરતો,

અહા ! જોયો ભીનો ધરવ ધરતીનો ધબકતો.

સવારે ઉલ્લાસે અરવ પગ લૈ સૌ પકડતા

ઘણાયે શંખો જે હરફર કરે શાંત સહસા.


અરે, એ જીવો તો ગૃહવસનમાં ના જ બચતા,

અરે, શાને લોકો અભય હરતા જીવ હણતા.

------------


સોનેટ

(મંદાક્રાંતા)


એ શિલ્પો જે મરક મરકી મોહતા માનવોને

અંગાંગોના લચક નમણે ભાસતો જીવ તેમાં,

ભાવો જાણે નયન ફરકે માંડતા વાત લાગે,

વારી જાતું મન કર પરે, પુરતાં જીવ તેમાં.


તો યે ક્યાંથી સમય સરતાં આવતા ફેરફારો !

લાગે શાને અકળ રણમાં ક્ષીણ થાતું અમોહે !

મુગ્ધાભાસો જળ વિણ જ તો લાગતા ડૂબવાને,

કાળા મીંઢા પથરસમ કાં ભાસતા પૂતળાઓ ?


જેમાં મોહ્યા સજીવ સમજી તેહમાં જીવ પૂરૂં

તે ભાવેથી હળુક રહીને હાથ ફેલાવતાને

દોડી ચાંપું હ્ર્દય સરસા શિલ્પને સાવ સાચે

પાષાણોથી બદન દબતાં ફૂટતું લોહી ખરૂં


પ્રાણે પાછા નહી જ વળતાં શોધવા લાગતો હું

લોહી કેરાં ગઠિત ટપકાંમાંહિ કો' નવ્ય શિલ્પો !

------------

No comments:

Post a Comment